અંફન : ભારતમાં ક્યારે ત્રાટકશે વાવાઝોડું, ક્યાં થશે અસર?


અત્યારે જ્યારે સમગ્ર ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જઈ રહી છે ત્યારે વધુ એક કુદરતી આફતનું સંકટ ભારત પર તોળાઈ રહ્યું છે.

આ આફતનું નામ છે અંફન. હવામાનવિભાગે આપેલી માહિતી અનુસાર ભારતના દક્ષિણ-પૂર્વ ભાગમાં બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર સર્જાતાં આગામી 12 કલાકમાં મધદરિયે સર્જાયેલા ડિપ્રેશનની પરિસ્થિતિ સર્જાવાની આગાહી કરાઈ છે.

જે 16 મે સુધીમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરીને ભારત પર ત્રાટકવા તૈયાર થઈ શકે છે.
જો બધી પરિસ્થિતિઓ વિભાગની આગાહી પ્રમાણે જ રહી તો આગામી 24 કલાકમાં ભારતનું વર્ષ 2020નું પ્રથમ વાવાઝોડું અસ્તિત્વમાં આવી શકે છે.

તેમજ એ વાતની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે લૅન્ડફૉલ પહેલાં જ તે અતિભીષણ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

કુદરતી આફતના આગમનની શક્યતાને પગલે ભારતમાં કોરોનાની આપત્તિ સમયે પડતાં પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

વિભાગની તાજેતરની એક પ્રેસ-રિલીઝ અનુસાર, 17 મેના રોજ વાવાઝોડું બંગાળની ખાડીમાં ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે, પરંતુ શરૂઆતના સમય બાદ એટલે કે 18થી 20 મે દરમિયાન ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે.

ઓડિશાએ આવનારા સંકટને જોતાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઍલર્ટ જાહેર કરી દીધું છે. તેમજ સંબંધિત જિલ્લાના કલેક્ટરોને લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાનું સૂચન કરી દેવાયું છે.
સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે. તેમજ હાલ દરિયામાં ખેડાણ કરી રહેલા માછીમારોને પાછા ફરવાની સૂચના આપી દેવાઈ છે.

તેમજ સંભવિત વાવાઝોડા 'અંફન'ના સંભવિત ટ્રેકને ધ્યાનમાં રાખતાં ઓડિશા સહિત તમિલનાડુ, પુડુચેરી, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાલ, ત્રિપુરા, મિઝોરમ અને મણિપુર જેવાં સમુદ્રી તટે વસેલાં રાજ્યોમાં ઍલર્ટ જારી કરી દેવાયું છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા સંભવિત વાવાઝોડાને કારણે હવામાનવિભાગે આવનારા 5-6 દિવસ દરમિયાન આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોમાં વાતાવરણ ખરાબ રહેવાની ચેતવણી પણ આપી છે.

હવામાનશાસ્ત્રીઓને મતે હાલની પરિસ્થિતિઓ પ્રમાણે તો એવું કહી શકાય કે અત્યારે તમામ પરિસ્થિતિઓ મધદરિયે સર્જાયેલા લૉ-પ્રેશરની પરિસ્થિતિને એક વાવાઝોડામાં પરિવર્તિત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે એવી છે.

તેમજ આવનારા દિવસોમાં ભારત માટે આફત સાબિત થવાની તાકાત રાખતું આ સંભવિત વાવાઝોડું 'અંફન'ની અસર માત્ર દરિયાકિનારે આવેલાં રાજ્યોને જ થશે એવું નથી.
જો 'અંફન' વાવાઝોડું ભારત પર ત્રાટકે છે તો તેની અસર તેલંગણા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઝારખંડ જેવાં રાજ્યો પર પણ થઈ શકે છે.

Post a Comment

0 Comments