મહારાષ્ટ્રથી બિહાર જતી વિશેષ ટ્રેનમાં મજૂરો વચ્ચે જમવાની બાબતે મારામારી


મજૂરોને મહારાષ્ટ્રથી બિહાર લઈ જઈ રહેલી વિશેષ ટ્રેન બુધવારે બપોરે પશ્ચિમ મધ્ય રેલવેના સતના સ્ટેશન પર પહોંચતાની સાથે જ ટ્રેનમાં હોબાળો શરૂ થઈ ગયો હતો. પોતાના માદરે વતન પરત ફરી રહેલા મજૂરો જમવાની બાબતે એકબીજા સાથે બાખડી પડ્યા હતા. આ ઝઘડો એટલી હદે વધી ગયો કે તેઓ અંદરોઅંદર મારામારી પર ઉતરી ગયા હતા. ગાળોનો વરસાદ થવા લાગ્યો હતો. ઝપાઝપી એટલી વણસી ગઈ હતી કે લોકોએ પોતાના કમર પર બાંધેલા બેલ્ટનો પણ દુરૂપયોગ થવા લાગ્યો હતો.
પ્લેટફોર્મ પર જીઆરપીના જવાનો પણ હાજર હતા પણ તેમના મનમાં રહેલા કોરોના સંક્રમણના ડરના કારણે ટ્રેનની બોગીમાં અંદર જવાની હિમ્મત નહતી થઈ રહી. બોગીની અંદર સરકારી મહેમાન બનેલા મજૂરો અંદર મારામારી કરી રહ્યા હતા જ્યારે જવાનો ટ્રેનની બહારથી ડંડા પછાડી રહ્યા હતા પંરતુ અંદર જવાની હિંમત નહતા કરી શકતા.
જ્યારે મજૂરો પોતાની જાતે થાક્યા ત્યારે તેમની વચ્ચેની આ લડાઈ ત્યારે બંધ થઈ. ત્યારબાદ જીઆરપીના જવાનોએ ફરીથી તેમને સમજાવ્યા હતા. મામલો થાળે પડ્યા બાદ ટ્રેનને ફરીથી આગળ વધી હતી. આ વિવાદમાં કેટલાક મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે.
નોંધનીય છે કે રેલવેએ બુધવારના રોજ જણાવ્યું હતું કે તેમાં એક મેથી અત્યાર સુધીમાં મજૂરો માટે 115 જેટલી વિશેષ ટ્રેન દોડતી કરવામાં આવી છે. જેમાં લોકડાઉનના કારણે દેશના અલગ-અલગ વિસ્તારોમાં ફસાયેલા એક લાખથી વધારે લોકોને પોતાના વતન લઈ જવામાં આવ્યા હતા.

Post a Comment

0 Comments