ગુજરાતમાં કોરોના સંક્રમણ ઉપરાંત બીજી બે મોટી આફતો આવી રહી છે. એક આફત તો આ સપ્તાહમાં છે અને બીજી જૂનના મધ્યમાં આવશે. લોકોને પરેશાની ઓછી થવાની જગ્યાએ વધવાની છે. કોરોના સંક્રમણમાં ભયના માર્યા લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યાં છે ત્યારે આ એક એવી આફત છે કે લોકોને ફરીથી ઘરમાં પૂરાઇ રહેવાની નોબત આવશે.
દક્ષિણ ગુજરાતમાં મંગળવારે ગાજવીજ સાથે હળવા વરસાદની જ્યારે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં બુધવાર થી શુક્રવાર દરમિયાન હીટ વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'નૈઋત્યનું ચોમાસું હવે બંગાળની ખાડી, આંદમાન-નિકોબાર તરફ આગળ ધપ્યું છે. હાલમાં ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન છે.
દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, વલસાડ, નવસારીમાં સોમવારે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે એટલે આગામી બે દિવસ ગરમીમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે. બીજી તરફ બુધવારથી શુક્રવાર દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હીટ વેવની સ્થિતિ રહેશે. 42.5 ડિગ્રી સાથે ડીસા આજે રાજ્યનું 'હોટેસ્ટ સિટી' બની રહ્યું છે. અમદાવાદમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં 43 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. જોકે, હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી મંગળવારથી તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના છે.
ગુજરાતમાં ઉનાળાની ગરમી હજી 31મી મે સુધી રહેશે. આ વખતે હવામાન ખાતાએ એવી આગાહી કરી હતી કે ગરમીનું પ્રમાણ 48 ડીગ્રી સુધી જશે પરંતુ તેમ થયું નથી. રાજ્યમાં ભરઉનાળે 43 ડીગ્રી સુધીની ગરમી પડી છે. આ ગરમી દૂર થશે ત્યારે 15 થી 18 જૂને ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે. હવામાન વિભાગના ડાયરેક્ટર જ્યંત સરકારે કહ્યું છે કે આ વખતે ગુજરાતમાં 98 થી 104 ટકા સુધીનો વરસાદ છે. આ વરસાદમાં કોરોનાનું સંક્રમણ પણ વધવાનું છે તેવો બીજો સંકેત રાજ્યના આરોગ્ય વિભાગે આપ્યો છે.
0 Comments